ઈર્ષાળુઓ મૌન રેલી યોજીને જનતાની ઉશ્કેરણી કરે છે : નાદેઅલી

વડોદરા, તા.૨૩

વિશ્વમાં ત્રાસવાદનો ખુલ્લેઆમ વિરોધ કરનાર ધર્મગુરૂ ડો. તાહિરૂલ કાદરીનો તા. ૨૫મી ફેબ્રુઆરીએ કરજણમાં પ્રવચન કાર્યક્રમમાં ન યોજાય તે માટે કેટલાક ઈર્ષાળુઓ વચ્ચે રોડા નાંખી રહ્યાં છે. આ વિઘ્ન સંતોષીઓની વાતોમાં આવી રાજ્ય સરકાર કાર્યક્રમની મંજૂરી નહીં આપે તો સરકારની વિદેશમાં છબી ખરડાશે તેમ મિન્હાજુલ કૂરઆન ઈન્ટરનેશલ ઈન્ડિયાના પ્રમુખે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

  • કાર્યક્રમની મંજૂરી નહીં આપે તો સરકારની છબી વિદેશમાં ખરડાશે
  • ડો. કાદરીના લખાણનો વર્ષાથી કોઈએ વિરોધ કર્યા નથી

મિન્હાજુલ કૂરઆન સંસ્થાના પ્રમુખ નાદેઅલી સૈયદે કહ્યું કે, કરજણમાં ડો.કાદરીના ધાર્મિક સભા ન યોજાય તે માટે કેટલાક ઈર્ષાળુઓ ભોળી પ્રજાને ઉશ્કેરી રહ્યા છે. પરંતુ ડો. કાદરી અણીશુદ્ધ વ્યક્તિત્વ ધરાવે છે. તેમની પ્રતિષ્ઠા વિશ્વભરમાં ફેલાયેલી છે. ડો.કાદરીને સમગ્ર મુસ્લિમ અને હિંદુ સમાજ માનની દૃષ્ટીથી જુએ છે. તેમણે ક્યારેય કોઈ ધર્મ વિરૂદ્ધ ઉશ્કેરણી કરી નથી. વર્ષાથી ડો.કાદરીના પ્રવચનો ટી.વી પર સાંભળનાર કરોડો દર્શકો તેમની પ્રશંસા કરે છે. ડો. કાદરીના પુસ્તકો, જાહેર કાર્યક્રમો કે ઈન્ટરનેટ પરના લખાણોનો કોઈએ વર્ષાથી વિરોધ કર્યા નથી તેમ જણાવતા નાદેઅલીએ ઉમેર્યુ કે, કરજણમાં ડો. કાદરીના કાર્યક્રમનું આયોજન થતાં જ વિઘ્ન સંતોષીઓએ મોરચો માંડયો છે. તેમના પેટમાં કેમ દુખે છે.? તે બુદ્ધિજીવી મુસ્લિમ પ્રજા સમજી ગઈ છે. ડો. કાદરીના કાર્યક્રમ અંગે સરકાર તમામ પાસા ચકાસી રહી છે, ત્યારે આવા ઈર્ષાળુઓ મૌન રેલી તથા અન્ય ક્રાર્યક્રમો યોજીને જનતાની ઉશ્કેરણી કરી રહ્યા છે.

આ પ્રકારની માનસિકતા ધરાવતા વિરોધીઓને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે તેવી આશંકા છે. તેથી આવા લોકોને યોગ્ય નશીહત કરવાની જવાબદારી સરકારની છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતા ડો. કાદરીની ધાર્મિક સભાને જો રાજ્ય સરકાર મંજૂરી નહીં આપે તો વિદેશમાં સરકારની છબી ખરડાશે એમ તેમણે ઉમેર્યુ હતું.

Source : http://www.sandesh.com/article.aspx?newsid=37604

Comments

Top