આતંકવાદને ઈસ્લામ સાથે કોઈ સંબંધ નથી

Feb 25, 2012

વડોદરા, તા. ૨૪

આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલા વ્યક્તિઓ અને સંસ્થા ક્યારેય ડો. તાહિરૂલ કાદરીને પસંદ નહીં જ કરે. ડો. કાદરીનો વિરોધ કરનાર તત્વોને પોતાની દુકાન (સંસ્થા) બંધ ન થઈ જાય અને પોતાના ઈમામની લોકપ્રિયતા ક્યાંય ઘટી ન જાય તેનો ડર છે. આતંકવાદને ઈસ્લામ સાથે કોઈ જ સંબંધ નથી અને બધા જ મુસ્લિમો આતંકવાદ પ્રવૃતિને પ્રોત્સાહન આપતાં નથી, તેમ આજે ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અને હજ કમિટીના ચેરમેન સૂફી સંત મહેબુબઅલી ચિસ્તીએ જણાવ્યું હતું.મહેબુબઅલી ચિસ્તીએ ‘સંદેશ’ને કહ્યું કે, અત્યાર સુધી ડો. તાહિરૂલ કાદરીએ મો. પયગંબર સાહેબ પર ચાર હજારથી વધુ પુસ્તકો લખ્યા છે. જે અત્યાર સુધી કોઈ લખી શક્યુ નથી. ડો. કાદરીની બરાબરી કરી શકે, તેવી કોઈ મુસ્લિમ વ્યક્તિ અત્યારે નથી. તેમની જોડ મળવી મુશ્કેલ છે. આજે ડો. કાદરીની સામે ટેબલ પર બેસી તેમની સાથે ડિબેટ કરી શકે તેવો કોઈ મૌલવી નથી. ડો. કાદરી જેવા વિદ્વાન આતંકવાદની વિરૂદ્ધ બોલશે, ત્યારે જ દબાયેલા અને કચડાયેલા લોકો આગળ આવી બોલવાની હિંમત કરી શકશે. ડો. કાદરીએ મોહંમદ પયગંબર સાહેબની પ્રશંસા કરતા ૪ હજારથી વધુ પુસ્તકો અને છ હજારથી વધુ ટી.વી. કાર્યક્રમ આપ્યા છે. એટલે, તેઓ મોહંમદ પયગંબર સાહેબનો વિરોધ કરે તે શક્ય નથી.મારી સર્વ સમાજને અપીલ છે કે,અત્યારે ગુજરાતમાં આટલુ સારૂ સદ્ભાવનાનું વાતાવરણ છે, તો વધારે પડતું સદ્ભાવનાનું વાતાવરણ ઉભું થાય તેવા સૌએ પ્રયત્ન કરવા જોઈએ. દેશને મહાસત્તા અને ગુજરાતને અગ્રેસર બનાવવા માટે આપણે સૌએ નાત-જાત અને ધર્મના વાડા બાજુ પર મૂકી એક બનીને આગળ વધીએ. હું જ્યાં સુધી જાણુ છું કે, જેહાદી વિચાર ધરાવતા હજારો યુવાનોને ડો. કાદરીએ સાચી રાહ ચિંધી છે. આ યુવકો તેઓ ઉદારવાદી બન્યા છે.વધુમાં મહેબુબઅલીએ ઉમેર્યુ હતું કે, ડો. કાદરીના આવવાથી પોતાના ધર્મગુરૂની લોકપ્રિયતા ક્યાંક ઘટી ન જાય અને દુકાન (સંસ્થા)ની ઘરાકી ઓછી ન થઈ જાય તે માટે કેટલાક તત્વો ડો. કાદરીનો વિરોધ કરી રહ્યા છે. ખાસ તો આવા પ્રસંગે બે પ્રકારના કટ્ટરવાદી તત્વો બે પ્રકારના વિરોધી છે. એક કટ્ટરવાદી તત્વો ભારત અને ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. તેમની સંસ્થાઓ અગાઉ આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોવાનું પુરવાર થયું છે. એવી વ્યક્તિ કે સંસ્થાઓ ડો. કાદરીને પસંદ નહીં જ કરે. બીજા એમના સંપ્રદાયના વ્યક્તિ તથા મૌલવીઓ છે.આપણે માનવતા અને સમાજને લઈને ચાલતા હોય તો કોઈપણ વ્યક્તિ ગમે તે દેશનો હોય, પછી ભલે ને અફઘાનિસ્તાનમાં રહી માનવતાનું ભલુ કરતો હોય તે આપણા માટે સન્માનીય છે. આપણે માનવતા માટે મદદરૂપ હોય એને સહકાર આપવો જ જોઈએ. જે સમાજ, દેશ અને માનવતા માટે નુકસાનકારક હોય તેનાથી આપણે દૂર રહેવુ જોઈએ, તેવુ મારુ માનવું છે.વધુમાં મહેબુબઅલીએ કહ્યું કે, સમાજ સુધી સંદેશ પહોંચાડવો છે કે, તેઓ જ નક્કી કરે કોણ ઉદારવાદી અને કોણ કટ્ટરવાદી છે. જેથી કરીને અમુક મુઠ્ઠીભર કટ્ટરવાદી તત્વો આતંકવાદી પ્રવૃત્તિ કરે તો હિંદુ સમાજને ખબર હોય કે, મુસ્લિમ સમાજના બધા જ લોકો આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા નથી. મુસ્લિમ સમાજ આતંકવાદી પ્રવૃત્તિનો વિરોધ કરે છે. હવે, સમય આવી ગયો છે કટ્ટરવાદી અને ઉદારવાદીઓની સાચી ઓળખ કરવાનો. ડો. કાદરીનો માનવતા અને વિશ્વબંધુ માટે સારો સંદેશ છે. એક સારૂ મિશન છે. જેનાથી માનવતાનું ભલુ થશે. શાંતિ અને સલામતી સ્થપાશે.

વધુ જનસંખ્યાને મંજૂરી નહિ આપવા વેપારીઓની રજૂઆત

કરજણ જલારામનગરમાં પ્રો. તાહિરૂલ કાદરીની આવતીકાલે તા.૨૫મીએ ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે કાર્યક્રમમાં ૨૦ થી ૨૫ હજાર જેટલી જનસંખ્યાની મંજૂરી આપવા કરજણના વેપારીઓએ મામલતદારને લેખિત રજૂઆત કરી છે.ધાર્મિક કાર્યક્રમમાં લાખોની જનમેદની ઉપસ્થિત રહેવાની સંભાવના છે ત્યારે કરજણ નગરની વસ્તી પ્રમાણે મંજૂરી આપવી જોઈએ. વેપારીઓએ મામલતદારને જણાવ્યંનું છે કે ધાર્મિક સભા થવા બાબતનો વિરોધ નથી પણ ૨૦ થી ૨૫ હજારથી વધુ લોકોની મંજૂરી આપવી ના જોઈએ.

આસૂરી શક્તિઓનો નાશ કરવાનો સમય આવી ગયો છ

વડોદરા : અજમલ કસાબને મારવાથી આતંકવાદનો નાશ થવાનો નથી. આતંકવાદનો નાશ કરવો હોય, તો તેના મૂળ સુધી જવુ પડશે. એમની લાઈફ લાઈન કોણ છે.? એમની વિચારધારાના સ્ત્રોત કયા છે.? તેમને પારખી જુદા તારવવા પડશે. પાંદડાઓને ખેરવી નાંખવાથી વૃક્ષ મૂળમાંથી ઉખડી જતું નથી. ટૂંકમાં આતંકવાદ અટકાવવા સૌએ સંગઠિત થઈને તેમની શક્તિ ક્ષીણ કરવી પડશે. જેથી આપણે અસૂરી શક્તિઓને પારખી, તેનો નાશ કરી શકીએ. તેમ મહેબુબઅલીએ જણાવ્યું હતું.

Source : http://www.sandesh.com/article.aspx?newsid=37905

Comments

Top