‘હું વિરોધીઓને પણ મહોબ્બત કરૂ છું’
Feb 25, 2012
વડોદરા, તા. ૨૪
રાતે ૯:૧૫ વાગે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચેલા ડો. તાહિરૂલ કાદરીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું અમન અને શાંતિનો પયગામ લઈને અહીં આવ્યો છે. બધા જ ધર્મના લોકો અમન અને શાંતિ ચાહે છે. પાકિસ્તાન સીમા પારથી આતંકવાદી ગતિવિધિઓ થઈ રહી છે,
વડોદરા એરપોર્ટ પર આવી પહોચેલા ડો. તાહિરૂલ કાદરીએ અમનનો પયગામ આપ્યો
તેવા પ્રશ્નના જવાબમાં ડો. કાદરીએ કહ્યું કે, હું ભારત-પાકિસ્તાન વિશે એવું કંઈ બોલવા નથી, માંગતો કે જેનાથી બંનેના સબંધોમાં કડવાશ ઉભી થાય. મારી માત્ર અમન અને શાંતિની લડત છે. આતંકવાદીઓને કોઈ ધર્મ કે પ્રદેશથી લેવા દેવા હોતા નથી. તેમનો ધર્મ માત્ર આતંકવાદ હોય છે. તેમણે ઉમેર્યું કે, મારો વિરોધ કરે છે, તેમની સાથે મારે કોઈ લેવા દેવા નથી. હું મારો વિરોધ કરનારાઓને પણ મોહબ્બત કરૂ છું. આતંકવાદ માનવજાતિ માટે ખરાબ છે. હું અમન પરસ્ત (શાંતિ પ્રિય) માણસ છું અને લોકોને પણ આ જ સંદેશ આપું છું. ડો. કાદરીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં તેમના ચાહકો એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા. કરજણમાં ડો. કાદરીના કાર્યક્રમની મંજૂરી મળી જતાં ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતિ મોરચાના ઉપપ્રમુખ ગની કુરેશીએ મિન્હાજુલ કુરઆન સંસ્થાને અભિનંદન આપ્યા હતા.
ડો. કાદરીના પાસપોર્ટમાં ગણતરીના કલાકોમાં સિક્કો વાગી ગયો
કરજણમાં ડો. તાહિરૂલ કાદરીના પ્રવચન કાર્યક્રમની મંજૂરીને લઈ છેલ્લા ચાર દિવસથી ભારે વિવાદ સર્જાયો હતો. કાયદાકીય ગૂંચના કારણે ડો. કાદરીના કાર્યક્રમને મંજૂરી આપવી કે નહીં.? તેને લઈને વહીવટી તંત્ર અવઢવમાં મુકાયુ હતું. ડો. કાદરીના વડોદરાના જ વિઝા હતા. તેથી તેઓ કરજણમાં કાર્યક્રમ યોજી ન શકે, તેવો પ્રશ્ન ઉભો થયો હતો. આખરે, મિન્હાજુલ કૂરઆન સંસ્થાના પ્રમુખ નાદેઅલી સૈયદ અને કોંગ્રેસના અગ્રણી ચિરાગ શેખે સોનિયા ગાંધીના સલાહકાર અને રાજ્યસભાના સાંસદ એહમદ પટેલને સઘળી હકિકત જણાવી હતી. તેથી એહમદ પટેલે મધ્યસ્થી કરી ગણતરીના કલાકોમાં ડો. કાદરીના પાસપોર્ટ પર વડોદરા શહેર ઉપરાંત વડોદરા જિલ્લાનો સિક્કો મરાવી આપ્યો હતો. આ કાયદાકીય ગૂંચ ઉકેલાઈ જતાં રાજ્ય સરકારના ગૃહ વિભાગે કરજણમાં કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી હતી.
Comments