‘ભુજના જાહેરખિતાબની તો પાકિસ્તાને પણ નોંધ લેવી પડશે’

Source: Bhaskar News, Bhuj | Last Updated 3:08 AM [IST](08/03/2012)

ગુજરાતની શાંતિ અને લોકોની સહિષ્ણુતાને પણ ઇસ્લામિક વિદ્વાને વખાણીને અહીં પણ કુર્આન-ગીતાની સામ્યતાની વાત કરી

એક લાખથી પણ વધુ એકઠી થયેલી વિશાળ જનમેદનીને ભુજમાં સંબોધતા મિન્હાજુલ કુર્આન ઇન્ટરનેશનલ સ્થાપક અને મૂળ પાકિસ્તાનના અને હાલમાં કેનેડા રહેતા ઇસ્લામિક વિદ્વાન ડૉ. મહંમદ તાહિરૂલ કાદરીએ ગુજરાતના લોકોની સહિષ્ણુતાને બિરદાવીને ઉપસ્થિત જનમેદનની નોંધ પડોશી દેશ પાકિસ્તાનમાં જ નહીં પરંતુ દુનિયાએ લેવી પડશે. તેવું જણાવ્યું હતું.

ડૉ. કાદરીના આ નિવેદનને પગલે કચ્છના ખુણે ખુણેથી તેમજ ગુજરાત અને રાજસ્થાનમાંથી આવેલા મુસ્લિમ બિરાદરોએ એક અવાજે વધાવીને અલ્લાહુ-અકબરનો નારો આપતાં ભુજના એરપોર્ટ રોડ ઉપર આવેલાં મેદાનમાં અનોખો નજારો જોવા મળ્યો હતો. જાહેર ખિતાબનો કાર્યક્રમ નિયત સમય કરતા સહેજ મોડો ચાલુ થયો હોવા છતાં ધીમે ધીમે મેદની વધતી ગઇ હતી અને એક તબક્કે સમગ્ર મેદાન ભરાઇ જતાં લોકોને જ્યાં જગ્યા મળી ત્યાં ઉભા રહીને આ રૂહાની શખ્સીયતને સાંભળવાનો લહાવો માણ્યો હતો.

ઇસ્લામિક લોમાં પીએચડી થયેલા આ વિદ્વાનને આવકારવા બુધવારે સવારથી જ બિરાદરોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમની મંજૂરી મળવા અંગેની કસ્મકસ ભરી પ્રક્રિયા સવારે અગિયાર વાગ્યા સુધી પુરી થઇ જતાં અસ્મનજશનું જે વાતાવરણ હતું તે સાફ થઇ ગયું હતું. સાંજે પાંચ વાગ્યાથી જ મુસ્લિમ બિરાદરોના ટોળે ટોળાં વાહનો મારફતે એરપોર્ટ રોડ ઉપર આવેલા કેનસન મોટરના મેદાન તરફ જતા નજરે પડ્યાં હતાં. હોળીના તહેવાર નિમિતે જાહેર ખિતાબના આ મોટા કાર્યક્રમને પગલે પોલીસ પણ જાણે કે કોઇ જોખમ ઉઠાવા ન માગતી હોય તે રીતે ખિતાબના સ્થળ ઉપરાંત સમગ્ર ભુજમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ડૉ. કાદરી ખિતાબના સ્થળે આવ્યા ત્યારે લોકોએ ભાવવિભોર થઇને તેમનું અલ્લાહુ અકબરના નારા સાથે સ્વાગત કર્યું હતું. ડૉ. કાદરીના આ કાર્યક્રમમાં મુફ્તી એ - કચ્છ ઉપરાંત અનેક મુસ્લિમ અગ્રણીઓ આ કાર્યક્રમમાં શિરક્ત કરવા આવ્યા હતા. હજારોની સંખ્યામાં મેદની એકઠી થઇ હોવા છતાં સ્વયં સેવકોએ તેમજ લોકોએ સ્વયંભૂ શિસ્ત પાળતાં સમગ્ર કાર્યક્રમ દીપી ઉઠ્યું હતું.

જાહેર ખિતાબના આ પ્રસંગમાં મોટી સંખ્યમાં માત્ર મુસ્લિમ બિરાદરો જ એકઠા થયાં તેવું ન હતું પરંતુ કોંગ્રેસ-ભાજપના અગ્રણીઓ ઉપરાંત હિન્દુ સાધુઓની હાજરી પણ લોકોનું ધ્યાન ખેંચતી હતી.

સલામતી જાળવવા કડક બંદોબસ્ત રહ્યો

ડૉ. કાદરીના જાહેર ખિતાબમાં જંગી મેદની ઉમટવાની હોવાથી કાયદો અને વ્યવસ્થ જળવાઈ રહે એ માટે પોલીસ તંત્ર દ્વારા બુધવારે સવારથી જ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ એસપી ચિરાગ કોરડિયાની તેમજ પ્રોબેશનરી આઇપીએસ અધિકારીની સીધી દેખરેખ હેઠળ ભુજના ડીવાયએસપી ડી.આર. અગ્રાવતના માર્ગદર્શન હેઠળ પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસના કુલ મળીને ચાર ઇન્સપેક્ટર, ૨૦ સબ-ઇન્સપેક્ટર તેમજ કોન્સ્ટેબલો મળીને કુલ ૧૫૦ પોલીસમેન મોડી રાત સુધી ખડેપગે રહ્યા હતા. ઉપરાંત એસઆરપીના જવાનો પણ બંદોબસ્તમાં મૂકાયા હતા. કોઇ અજૂગતી ઘટના બનવા પામી નહોતી.

જી કરતા હૈ કુછ ન બોલું, બસ દેખતા રહું

ખિતાબના સ્થળે વિશાળ જનમેદનીને જોઇને ભાવુક બનેલા. ડૉ. મહંમદ તાહિરૂલ કાદરીએ એક તબક્કે જ્યારે એમ કહ્યું કે ‘જહા તક મેરી નજર જાતી હૈ વહા તક મુજે ઇજતેમા હી નજર આતા હૈ. આપકો દેખ કર જી કરતા હૈ કે મૈ કુછ ન બોલું સિર્ફ આપ સબકો દેખતા રહું’ અગર કેમેરા સહી હો તો મુજે જહા તક દુર -દુર લોગ બેઠે હૈ વો દીખાઓ તાકી દુનિયા કો પતા ચલે કે કચ્છમે કિતને લોગ ઇજતેમાં મૈ આયે હૈ. આયોજકોને પણ તેમણે એમ કહ્યું કે, કદાચ તેમને પણ અંદાજ નહીં હોય કે આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થશે.

ભારત-ગુજરાત સરકારનો આભાર માન્યો

તેમના ભારતના પ્રવાસ દરમિયાન હૈદરાબાદ, વડોદરા, કરજણ તેમજ કચ્છમાં ભારત સરકાર તેમજ ગુજરાતની સરકાર દ્વારા જે સાથ સહકાર આપવામાં આવ્યો તેનો પણ ડૉ. કાદરીએ ખિતાબમાં આભાર માન્યો હતો. કચ્છમાં તો ખુબ જ ટુંકા સમયમાં પોલીસ તેમજ વહીવટી તંત્રે જે રીતે સહકાર આપ્યો તે બદલ તેમનો આભાર માન્યો હતો. જો કે, કાદરીના આ કાર્યક્રમ દરમિયાન જે મંજૂરી અંગે ગેર સમજ થઇ તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, આયોજકોના કોમ્યુનિકેશન ગેપને કારણે થોડીક ગેર સમજ થઇ હતી.

..ને જ્યારે આકાશમાં નામ-એ-ખુદાના દિદાર થયા

નાતના પઠન બાદ અને કાદરી સાહેબના ખિતાબના સ્થળે આવવાના સમય દરમિયાન આકાશમાં અચાનક વાદળો અલ્લાહ નામના આકારમાં જોવા મળ્યા હતા. અરબી ભાષા પ્રમાણે પ્રથમ અક્ષર અલીફ વિના પણ આ નામને પૂર્ણ માનવામાં આવે છે.

કચ્છીમાં સંબોધન કર્યું

અનેક ભાષાઓના જાણકાર ડૉ. કાદરીએ સૌપ્રથમ સ્ટેજ ઉપર આવીને મુફ્તીએ - કચ્છને આવકારતા તેમની બાજુમાં જ બેસવા માટેની વ્યવસ્થા કરાવી હતી. નાતના હૃદય સ્પર્શી પઠન પછી ડૉ. કાદરીએ તેમના કચ્છી ભાષામાં તૈયાર કરેલા પ્રવચનને વાંચતા જનમેદની આફરીન પોકારી ગઇ હતી. કચ્છી પઠન વખતે તેમનાથી કોઇ ભુલ થઇ જાય તો લોકો તેમને માફ કરે તેવું કહીને તેઓ કેટલા નમ્ર અને સાલસ છે તેનું ઉદાહરણ પણ આપ્યું હતું.

Source : http://www.divyabhaskar.co.in/article/KUT-BUJ-bhuj-public-honor-must-note-pakistan-2953914.html?OF1=

Comments

Top